Monday, January 31, 2011

નિરમા શેર માર્કેટમાંથી સંપુર્ણ રીતે દૂર થઈ જશે

ગુજરાતની કંપની નિરમા ટૂંક સમયમાં શેર બજારોથી સમગ્ર રીતે હટી જવાની તૈયારીમાં છે. આ કંપનીએ દિગ્ગજ મલ્ટિનેશનલ કંપનીઓને જબર્દસ્ત ટક્કર આપી હતી, અને ભારતમાં ખાસ્સી સસ્તી કિંમતોએ ડિટર્જન, સાબુ, વગેરે વેચીને બજારને સ્તબ્ધ કરી દીધુ હતુ.
માનવામાં આવે છે કે કંપની બુધવારે આ વિષયે ઔપચારિક જાહેરાત કરશે. કંપનીએ ભારતભરમાં વિસ્તરાયેલા શેર હોલ્ડરોને તેમના શેર કંપનીને પરત વેચવાની ઑફર આપી હતી. તેની અંતિમ તારિખ 20 જાન્યૂઆરીએ રાખવામાં આવી હતી.


 Taken From : Divya Bhaskar.

Thursday, January 20, 2011

ખાંડવી

ખાંડવી

૪ થી ૬ વ્યકિત માટે
લો પાવર લેવલ = ૦૦ - ૪૦ %
મઘ્યમ પાવર લેવલ = ૪૦ - ૯૦ %
માઇક્રો = ૧૦૦ %
સામગ્રી :
૧ કપ ચણાનો લોટ,
૩ કપ ખાટી છાસ,
મીઠુ સ્વાદ મુજબ,
૧ ચમચી લાલ મરચું,
૧ ચમચી ધાણાજીરુ,
અડધી ચમચી હળદર,
૨ થી ૩ લીલાં મરચા,
વઘાર માટે તેલ, રાઇ,
કોથમીર, સફેદ તલ.
રીત :
સૌ પ્રથમ તેલ લગાડેલાં એક બાઉલમાં ચણાનો લોટ, છાસ, મીઠું, મરચું, ધાણાજીરુ, હળદર આ બધુ જ નાખીને એકસરખુ હલાવી ૧૫ મિનિટ માટે માઇક્રો કરો કરો. વરચે બે વખત હલાવો. હવે એક તેલ લગાડેલી ડીશમાં ગરમ ગરમ જ પાથરી દો. થોડીવાર ઠંડુ પડે પછી તેની લાંબી પટ્ટી કાપી ગોળ રોલ વાળો અને સમારી લો. હવે એક બાઉલમાં વઘાર માટે તેલ લઇ તેને ૩ મિનિટ માટે માઇક્રો કરી તેમાં રાઇ અને તલ નાખી તૈયાર થયેલી ખાંડવી પર છાંટી દો. ઉપર કોથમીર થી સજાવટ કરો.

ખમણ ઢોકળા

સામગ્રી :
500 ગ્રામ ચણાદાળ,
નારિયેળનું ખમણ,
આદું-મરચાં,
હિંગ-રાઈ, કોથમીર તેલ, મીઠું, ખારો.
રીત : રાત્રે ચણાની દાળને પલાળી, સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો. બાદ તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું નાખી આથો લાવો. થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી, વરાળથી બાફો અને ઠંડા પડે ટુકડા કરો. તેલ ગરમ કરી રાઈ-હીંગ વગેરેનો વઘાર કરી તેમાં ટુકડા નાખી હલાવો. તૈયાર થયે સમારેલ કોથમીર-મરચાં અને કોપરાનાં છીણને ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.
ખમણની ચટણી બનાવવા માટે:
200ગ્રામ ખમણનો ભૂકો,
ખાંડ, રાઈ, કોથમીર, તેલ,
100 ગ્રામ અડદ-દાળ,
લીમડો, કોપરું અને દહીં તૈયાર કરો.
રીત:
સૌ પ્રથમ અડદની દાળને તેલમાં શેકીને વાટો. કોપરું અને કોથમીર ઝીણાં વાટી, તેમાં મીઠું નાખી ખમણનો ભૂકો ભેળવો. પછી આદું, મરચાં, મીઠું બધું વાટીને તેમાં નાખો. તેલમાં રાઈ, મીઠા-લીમડાનાં પાનનો વઘાર કરી તેમાં ભેળવો. આ રીતે તૈયાર થયેલી ચટણીનો ખમણ સાથે ઉપયોગ કરો.

અળવી નાં પાતરા

સામગ્રીઃ ૪૦૦ ગ્રા. અળવી પાન,
૪૦૦ગ્રા. ચણાનો લોટ,
૭૫ગ્રા. ઘઉંનો લોટ,
આદું, તલ, મીઠું,મરચું,
કોપરાનું છીણ,ધાણાજીરું,
તેલ,કોથમીર,આમલી,
હળદર,હિંગ,ગોળ.
બનાવવાની રીત(૫ વ્‍યકિત):
૧.ભૂરી દાંડીના પાનની નસો કાઢી, ધોઈ, કોરા કરો.
૨.ચણાના લોટમાં ઘઉંનો લોટ ભેળવી તેમાં ધાણા – જીરું, હળદર, મીઠું, મરચું, તલ ,ગોળ, આમલીનોરસ, આદું – મરચાંથી જાડું ખીરું બનાવો.
૩.પાટલા ઉપર લીસો ભાગ નીચે રહે તેમ પાન ગોઠવી, તેના ઉપર ખીરું લગાવો. પછી તેના ઉપર બીજું પાન ગોઠવી ખીરું લગાવો. તેના ઉપર ત્રીજું પાન ગોઠવી ખીરું લગાવો. આમ ચાર – પાંચ પડ કરી વીંટો વાળો. તેના ઉપર દોરી વીંટો. આમ ત્રણ – ચાર વીંટા કરો.
૪.આ વીંટાને વરાળથી બાફો, વીંટા બરાબર બફાયા પછી કાઢી લો. ઠંડા પડે, નાનાં – નાનાં પતીકાં કરો. તેને તેલમાં તળો કે વઘારો.
૫.તૈયાર થયે ચટણી કે સોસ સાથે ઉપયોગ કરો.
પોષકતાઃ ૨૫૦૦ કેલરીની આ વાનગી છે. વ્‍યકિત દીઠ ૫૦૦ કેલરી મળે છે. લીલોતરી શાકપાનમાં સેલ્‍યુલોઝ વધુ હોય છે. તેનો અવશેષ આંતરડામાં ભારની ગરજ સારતો હોઈ આંતરડાનું હલન – ચલન ઉશ્‍કરે છે; પરિણામે જાળ ધકેલાઈ દસ્‍ત સાફ આવે છે.

..બનાવો મસ્ત મજાના માલપુઆ

સામગ્રી :
દૂધ : ૪ કપ,
સાકર : ૬ ચમચા,
ઘી : ૧ કપ,
પાણી : ૨ કપ,
ક્: ૬ ચમચા.
રીત :
પ્રથમ દૂધનો ઊભરો આવી જાય પછી ધીમા તાપે દૂધ અરધાથી પણ વધારે બળી જાય ત્‍યાં સુધી ઉકાળો. દૂધને એકસરખું હલાવતાં જવું, જેથી દૂધ જાડું અને ગઠ્ઠારહિત થાય. સાકર અને પાણી બંને ભેગાં કરી ઉકાળી તેની ચાસણી બનાવો. તેને નાની થાળીમાં લો. ઠંડા થયેલા દૂધમાં�ઘંઉનો લોટ મિક્સ કરો જેથી દૂધ વધારે જાડું થશે. બરાબર હલાવી એકસરખું ખીરું તૈયાર કરો. હવે કડાઈમાં ઘી લઈ ગરમ કરો. જ્યારે બરાબર ગરમ થઈ જાય ત્યારે એક ચમચો ભરી ખીરું ધીમાં નાખો. તે નાની પૂરી જેવો દેખાશે. તેને ધીમા તાપે તળાવા દો. પછી તેની બીજી બાજુ ફેરવીને તળવી. જ્યારે સોનેરી રંગ જેવા થાય ત્યારે તે લઈ લેવા અને ચાસણીમાં મૂકવા, જેથી બરાબર ચાસણી ચૂસી લે પછી કાઢીને બીજા વાસણમાં મૂકવા. આવી રીતે ખીરાના માલપુઆ બનાવવા.

ક્ચ્છના લાખા ફૂલાણીએ એક હજાર વર્ષ પહેલાં બંધાવેલું - શ્રી કેરાનું શિવમંદિર

ક્ચ્છનો મધ્યકાલીન ઈતિહાસ બહુ સ્પષ્ટ નથી,પરંતુ જે કંઈ સાહિત્ય આપણી પાસે પ્રાપ્ત છે તે દ્વાર આ પ્રદેશના ઈતિહાસની મહત્ત્વની કડીઓ મળી રહે છે.
કેટલાક દસ્તાવેજો,તામ્રપત્રો,અભિલેખો,શિલાલેખો તથા સાહિત્યિક સંદર્ભ એવો નિર્દેશ કરે છે કે શકિતશાળી સોલંકી રાજાઓએ અહીં પણ રાજ કરેલું.
કચ્છના મધ્ય ભાગમાં લાખો ફૂલાણી નામનો શકિતશાળી રાજા રહેતો,જેની રાજધાની કપિલકોટ હતી. મૂળરાજ સોલંકી (ઈ.સ.942 થી 997) નો તે સમકાલીન રાજા હતો.
દંતકથા પ્રમાણે લાખા ફૂલાણીને સ્થાપત્યનો ખૂબ જ શોખ હતો. તેણે રાજધાની ફરતો કિલ્લો તથા શિવમંદિર બંધાવ્યાં હતાં. તે ધર્મનો આશ્રયદાતા હતો.
ભુજથી દક્ષિણે લગભગ બાર માઈલ ઉપર આવેલું કેરા ગામ ફુલાણીનું પાટનગર હતું. તેનું મૂળ નામ કાપયલેટ અથવો કોરાકોડ હતું.પ્રાચીન જાહોજલાલીના અવશેષ સ્વરૂપ એક શિવમંદિર અને કોટનો થોડો ભાગ આજે ફમ ભગ્ન હાલતમાં ઊભો છે.આ ભગ્નાવશેષોના સ્થાપત્ય અને કોતરકામ તેની પૂર્વ જાહોજલાલીની ઝાંખી ધરાવે છે.
આ શિવમંદિર કેરાની ઉત્તરે અને નાગમતી નદીના કિનારે આવેલું છે. મંદિર પૂર્વાભિમુખ છે. ભવ્ય ભૂતકાળનું આ સીમાચિહ્ન છે. મંદિર 21 મીટર લાંબું અને 10 મીટર પહોળું છે.મા મંદિરમાં પ્રદક્ષિણાનો રસ્તો પણ રાખેલો છે.શૈલીની દ્દષ્ટિએ મંદિર મહાગુર્જર શૈલીનું છે.આ મંદિર ઊંચી જગતી ઉપર ઊભું છે.રત્ન,વેદી તથા કીર્તિ મુખની મૂર્તિઓથી જગતી ઉપર સુશોભન કરેલું છે.પાયાથી સિખર સુધી એકદમ સરખા શિલ્પ અને સ્તંભો છે.અહીં મંદિરનું ક્ષેત્રફળ અને શિલ્પો બરાબરની સંખ્યામાં છે. શિખર પણ કલાત્મક છે. મંદિર ઉપર અને અંદરનો શિલ્પો ખદુરાહોનાં શિલ્પોની સાથે એ જ કક્ષાએ ઊભાં રહી શકે તેમ છે. એટલેજ સહેલાણીઓ આ સ્થળે અચૂક જાય છે.
કેરા અમદાવાદથી 421 કિ.મી. દૂર અને ભુજથી 19 કિ.મી. દૂર છે. ગાંધીઘામથી તે 58 કિ.મી. દૂર છે.
હાલનો કેરાકોટનો પ્રદેશ ઘણો સમૃદ્ધ છે. કોસ હાંકતા ખેડૂતો લાખા ફૂલાણીના દુહા ગાતા હોય છે. પુરાણા કોટની દીવાલ વટાવી લાખેશ્વર મંદિરના ભગ્ન શિવાલય તરફ જવાય છે. મંદિરનો ગૂઢ મંડપ મહદ અંશે નાશ પામ્યો છે.ગર્ભગૃહની દ્વારશાખ દેખાતી નથી. મંદિરનો શિખર ભાગ એક બાજુથી ઊભો છે,જયારે બીજી બીજુથી નાશ પામ્યો છે.એવું કહેવાય છે કે ક્ચ્છમાં થયેલા ઘરતીકંપને કારણે મંદિરનો શિખરભાગ નાશ પામ્યો છે.પ્રદક્ષિણા પંથમાં અંધારું ન પડે તે માટે મૂકવામાં આવેલા જાળીવાળા ગવાક્ષો આ મંદિરનાં સર્વોત્તમ અંગો છે, તો ચંદ્રશલાકા પ્રકારની કોતરણીવાળી સુંદર જાળીઓનું કોતરકામ સંવતના આઠમા સૈકાથી કચ્છમાં શરૂ થયું હતું.ગુજરાતમાં સૌ પ્રથમ સોરઠમાં આવેલ કદવાડના મંદિરમાં જાળીઓ મૂકવાનું શરૂ થયું હશે. મૈત્રક કાળમાં બંધાયેલા મંદિરોમાં મુકાયેલી જાળીઓમાં ગુપ્તકાલીન અસર દેખાય છે. કેરાકોટના લાખેશ્વર મંદિરની જાળીઓની નીચે કોઈ મંદિરના રંગમંડપની વેદિકા જેવો ભાગ કોરી કાઢેલો જણાય છે. મંદિરના પીઠ ભાગ ઉપરના કુંભ અને કળશના થરો મોટા અને ભારે છે. તેના ઉપરથી કેવાલનો ભાગ ચૈત્ય કમાનના સુશોભનથી શોભી રહ્યો છે. મંડોવરની જંઘા ઉપર કોતરાયેલ દેવદેવીઓની મૂર્તિઓ અને તેના ઉપર કોતરાયેલ ગ્રાસથરની પટ્ટી આંખને ગમી જાય તેવી છે.આ પટ્ટિકા ઉપર કોતરાયેલ રતિચિત્રમાં શિલ્પો ઘસાઈ ગયેલા હોવા છતાં આકર્ષક લાગે છે.શિખર ભાગ ઉપરના આઠ શૃંગો અને નવમું મુખ્ય શૃંગ જોતાં આ મંદિર સર્વતોભદ્ર પ્રાસ્દ શ્રેણીનું હોવું જોઈએ. આખુંય મંદિર જોતાં એવું લાગે કે કચ્છે નાગરશ્રેણીનાં સુંદર મંદિરનો બાંધવાની શરૂઆત સંવતના આઠમા સૈકાના અંતકાળથી શરૂ કરી હશે.
કેરાકોટના કિલ્લાનો ભાગ ઘણો પડી જવા પામ્યો છે, છતાં ચાર ખૂણે ચાર ઊંચા કોઠા અને આશરે 40 ફીટ જેટલી ઊંચાઈ ધરાવતો આ કિલ્લો 1000 વર્ષ પહેલાંના બાંધકામની ઉત્તમતા પુરવાર કરે છે.
અત્યારે તો અહીં મહેનતું કણબી અને ખોજા કુટુંબો રહે છે. તેમણે જૂના કિલ્લાના ખરેલા પથ્થરોનો ઉપયોગ પોતાના મકાનોમાં કર્યો છે. જૂના વખતમાં લાખા ફૂલાણી પછી કેરા પડયું ગુલમાલીશાહના હાથમાં.પીર સદ્રુદીન એમના વંશજ થાય.આગાખાન વંશના પીર ગુલામઅલીશા કડીવાલ આ ગામે થયા. તેમની અસર નીચે ધણાં લોહાણા,ભાટિયા,કણબી વગેરે કુટુંબોએ ઈસ્માઈલી ખોજા પંથ સ્વીકાર્યો હતો. પીરે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢયા. લોકોએ તેમને ત્યાં વસવાટ કરવા વિનંતી કરી. તેમણે કેરામાં રહી પંચતનના પવિત્ર નામે કૂબો ચણાવ્યો.કરાંચીમાં 1796માં તેઓ જન્નતશીન થયા.ત્યાંથી તેમના નશ્વર દેહને કેરા લાવી દબદબાપૂર્વક દફનાવવમાં આવ્યો. એની ઉપર મુરીદ ખોજાઓએ તેમનો મકબરો ચણાવ્યો.
કેરાની ધાર વચ્ચે દૂરદૂરથી નજરે પડતી ગુલમાલીશાની સફેદ અને ઊંચી દરગાહ કેરાના સીમાસ્તંભ ઉપર બની રહી છે. આજે પણ કેરાનું ભગ્નાવેશષ શિવમંદિર જોવાલાયક છે.

તારંગા ગુજરાતનું શાંત હીલ સ્ટેશન

તારંગા ગુજરાતમાં મહેસાણા જીલ્લાની અંદર આવેલ એક સુંદર અને શાંત હિલ સ્ટેશન છે. આ સ્થળ મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દુર આવેલ છે અને વિસનગરથી 50 કિલોમીટર. તારંગાની ટેકરીની ઉંચાઈ આશરે 365.76 જેટલી છે અને તે રોડથી 9 કિલોમીટર દુર આવેલ છે.
આ મંદિર 1121 ની અંદર સોલંકી વંશના રાજા કુમારપાલે બનાવડાવ્યું હતું. તેમણે આ મંદિર તેમના ગુરૂ આચાર્ય હેમચંદ્રાચાર્યના કહેવાથી બનાવડાવ્યું હતુ. અહીં કમ્પાઉંડની અંદર 14 મંદિર આવેલા છે જેમાંથી પાંચ દીગમ્બરના મુખ્ય મંદિરો છે. દિગમ્બર જૈન અહીંની ત્રણ ઉંચી ટેકરીઓ પર વસવાટ કરે છે. તારંગા એ સિધ્ધ ક્ષેત્ર છે.

તારંગા હિલ સ્ટેશન પર જૈન દેરાસર આવેલ છે જે શ્વેતાંબર અને દિગંબરના છે. એવું કહેવામાં આવે છે કે આ પર્વત પરથી બૌધ્ધ દેવી તારાની મુર્તિ મળી આવી હતી તેથી આ સ્થનું નામ તારંગા પડ્યું. અહીં આવેલ અજિતનાથની ગુફાવાળુ સુંદર પ્રતિમા ધરાવનાર ભવ્ય જૈન દેરાસર એક જ શિલામાંથી બનાવવામાં આવ્યું છે. મુળનાયક હાઈવેથી 2.75 કિલોમીટર દુર આવેલ છે અને ત્યાં ભગવાન આદિનાથની સફેદ કલરની મૂર્તિ છે. અહીં વર્ષમાં અસંખ્ય યાત્રાળુઓ આવે છે.
આ ટેકરી પર્વતોની વચ્ચે અને શહેરી વિસ્તારથી દુર આવેલ છે. અહીંનું વાતવરણ ખુબ જ શાંત અને શુધ્ધ છે. અહીં મનની શાંતિ પણ મળી રહે છે. અહીં આવીને એવો અનુભવ થાય છે જાણે કે કુદરતના ખોળામાં આવી ગયાં છીએ. કેમકે અહીંયા ચારો તરફ લીલોતરી જોવા મળે છે અને પર્વતોની વચ્ચે જાણે કે કુદરતના ખોળામાં બેઠા હોઈએ તેવો અનુભવ થાય છે. ત્યાંના પર્વતોની સુંદરતા ખુજ મનભાવન છે. જેઓ કુદરતના શોખીન હોય તેમના માટે તો આ સ્થળ અતિ સુંદર છે.
તારંગા જવા માટે ઘણી બધી સગવડો છે ત્યાં તમે બસ દ્વારા પણ પહોચી શકો છો અને તમારૂ પોતાનું સાધન પણ લઈને જઈ શકો છો. ત્યાં જવા માટેનો રસ્તો પણ સારો છે તેથી બીજી જોઈ તકલીફ પણ પડે તેમ નથી.
અહીં જવા માટે નજીકનું હવાઈમથક અમદાવાદ છે અને અમદાવાદથી સીધી તારંગા સુધીની બસ પણ તમને મળી શકે છે અથવા તો અમદાવાદથી મહેસાણા થઈને તારંગાની બસ તમને મળી શકે છે.

Tuesday, January 11, 2011

મુસ્લિમ યુવક સિક્યુરીટી કોર્ડન તોડીને મોદી તરફ દોડ્યો અને..



>સર, મેરી વાઈફ આપકો હેલો કહેના ચાહતી હૈ !

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે યુવાન આંત્રપ્રિન્યોરને સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક યુવાનની મોબાઇલ પર વાતચીત અને હરકતો જોઈને સુરક્ષા જવાનો સાબદા થઈ ગયા હતા.

મોદી જ્યારે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે આ યુવાન મોબાઇલ ફોન કોઈને સંભળાવી રહ્યો છે કે વીડિયો રેકોર્ડિંગ કરે છે કે તસવીરો પાડે છે એ બાબતે અફસરોમાં ચર્ચા ચાલતી હતી. યુવાનનો પહેરવેશ, ટોપી અને દાઢી મુસ્લિમ હોવાની પ્રતીતિ માટે પૂરતાં હતાં. મોદી પ્રવચન પતાવી સ્ટેજ પરથી ઉતર્યા કે તરત જ તે ભીડને ચીરીને મુખ્યમંત્રીની સમીપ પહોંચી ગયો અને ‘સર પ્લીઝ મેરી બાત સુનો’ એવી વિનંતી કરી.

મોદીએ સુરક્ષા જવાનોને એક ક્ષણ માટે અટકાવી પૂછ્યું બોલો શું વિનંતી છે? યુવાને કહ્યું કે ‘સર મેરી વાઇફ આપકી ફેન હે, મેં ઉસકો આપકી સ્પીચ સુના રહા થા, વો આપસે હેલો કહેના ચાહતી હે, ફોન ચાલુ હે પ્લીઝ સર!’ સૌના આશ્ચર્ય વચ્ચે મોદીએ સસ્મિત મોબાઇલ લઈ નમસ્કાર કર્યા અને પ્રેમથી એક મિનિટ સંવાદ કર્યો ત્યારે મુસ્લિમ યુવાનની આંખોમાંથી હર્ષનાં આંસુ સરી રહ્યાં હતાં.


Taken From : Divya Bhaskar.

ગુજરાતે આંધી-પવનનો પમ્પ ચલાવ્યો છે,હવા ભરી લો: મોદી

 
- પાંચમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટનો ઇસ્યુ કાઢી નંખાયો છે
- હિન્દુસ્તાન જ નહીં વિશ્વમાં ગુજરાત બ્રાન્ડ ઉભી થઇ છે: નરેન્દ્ર મોદી
- ઉદ્યોગ પ્રતિનિધિઓની ઉપસ્થિતિ વચ્ચે મેગા એકઝીબશિનનું ઉદ્દધાટન
- વિવાદથી મુક્ત બનીને પહેલીવાર ૧૯ રાજ્યો ગુજરાતના ભાગીદાર બન્યા
- મહાત્મા મંદિર દેશના રાજ્યોના વિકાસને જોડતું પ્લેટફોર્મ બનશે

પાંચમી વાયબ્રન્ટ સમિટથી ગુજરાત એ સમગ્ર દેશ અને તેના રાજ્યોના વિકાસને જોડતું મજબૂત પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ વ્યકત કરી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વખતની સમિટમાં મૂડીરોકાણનો ધ્યેય રાખ્યો નથી પરંતું વિવિધ રાજ્યોને એક નવી તક પુરી પાડવાનો આ પ્રયાસ છે. મને એ વાતની ખુશી છે કે ૧૯ રાજ્યો વિવાદને બાજુએ રાખીને ડેવલપમેન્ટની દિશામાં સહભાગી બન્યા છે.

કેનેડાના હાઇકમિશનર સ્ટીવર્ટ બેક ઉપરાંત દેશના ટોચના ઉદ્યોગપતિઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં ઉભા કરવામાં આવેલા ગ્લોબલ મેગા એકઝીબશિનનું સોમવારે સાંજે ભવ્ય ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું. ૩૩૦૦૦ ચોરસફુટમાં ફેલાયેલા પ્રદર્શન કક્ષમાં ૧૬ દેશો અને ૧૯ રાજ્યોના પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા છે. કુલ ૩૦૦ સ્ટોલ અને થીમ પેવેલીયન દ્વારા ૧૮ ક્ષેત્રોમાં રોકાણ અને વિકાસની તકો રજુ કરવામાં આવશે.

ઉદ્દધાટન સમારોહમાં મોદીએ પ્રવચનમાં કહ્યું હતું કે ગુજરાતે ૨૦૦૩માં વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કર્યો ત્યારે માત્ર ૪૦ વિદેશી મિત્રો આવ્યા હતા પરંતું તે પછીની ચાર સમિટમાં અમે નવતર પ્રયોગો કરતા રહ્યાં છીએ. મહાત્મા મંદિરે પ્રથમવાર આ વખતે મેગા એકઝીબશિનમાં ૪૫ દેશોની અધ્યતન ટેકનોલોજીનો નાના-મોટા ઉદ્યોગકારો અને યુવા જનરેશનને લાભ મળશે. સીંગલ વિન્ડો ઇન્ફર્મેશન, કોન્ટેકટ અને નોલેજ મેળવી શકાશે.

ગુજરાત દેશની કોઇપણ શક્તિ માટેનું પ્લેટફોર્મ છે અને મહાત્મા મંદિર તેનું નિમિત્ત બન્યું છે. આ પહેલી સમિટ એવી છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટનો ઇસ્યુ કાઢી નાંખવામાં આવ્યો છે. યજમાન ગુજરાત માટે આ અવસર વિકાસ માટેનો છે જેમાં રાજ્યોને જોડવાનું કામ કર્યું છે. વિવાદમાં આવ્યા વિના જે રાજ્યો ગુજરાતમાં આવ્યા છે તેમને અભિનંદન આપતાં મોદીએ કહ્યું હતું કે આ સમિટમા ઉપસ્થિત રહેલા કોઇ ઉદ્યોગપતિ સાથે બિહાર, ઓરિસ્સા કે છત્તીસગઢ જેવા મહેમાન રાજ્યો પણ સમજુતી કરાર કરી શકશે. આખરે લાભ તો હિન્દુસ્તાનને થવાનો છે.

મોદીએ વાયબ્રન્ટ સમિટનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે ૧૨ અને ૧૩ જાન્યુઆરી દરમ્યાન નવનિર્મિત મહાત્મા મંદિરના આ પરિસરમાં રાષ્ટ્રીય સ્વાભિમાન વધે તે રીતે વિશ્વના દેશો અને રાજ્યો વચ્ચે બિઝનેસ સંવાદો થશે. નોલેજ અને ટેકનોલોજીની આપ-લે થશે. હિન્દુસ્તાન સાચા અર્થમાં તેની ગ્લોબલ ઇમેજને સાકાર કરી વિકાસની મહાસત્તા બનીને ઉભરી આવશે.

પ્રદર્શનના ઉદ્દધાટન પ્રસંગે મહેમાનોને આવકાર આપતાં રાજ્યના ચીફ સેક્રેટરી એ.કે.જોતિએ કહ્યું હતું કે આ મેગા એકઝીબશિનમાં ૧૬ દેશોની ટેકનોલોજીના નોલેજનો દેશને લાભ મળશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની વઝિનરી લીડરશીપથી કલીન ગુજરાત ગ્રીન ગુજરાતનો મંત્ર આપ્યો છે તેને સાચા અર્થમાં સાર્થક બનાવાશે.

આ પ્રસંગે નાણામંત્રી વજુભાઇ વાળા, ઉદ્યોગ રાજ્યમંત્રી સૌરભ પટેલ, ઉદ્યોગ અગ્રસચિવ મહેશ્વર શાહુ, સ્ટલીંગ ગ્રુપના નિતીન સાંડેસરા, એસ્સારના પ્રશાંત રૂઇયા, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, ટોરન્ટના સુધીર મહેતા, રિલાયન્સના પરિમલ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસની આંધી ચાલી છે પમ્પથી હવા ભરી લો: મોદી

‘આંધી ચાલે કે ભારે પવન આવે પણ સાયકલની ટ્યૂબ હાથમાં લઇને ઉભો રહેલો વ્યક્તિ સીધી હવા ભરી શકતો નથી. તેના માટે પમ્પ જોઇએ. ગુજરાતે આંધી-પવનનો પમ્પ ચલાવ્યો છે વેપારી મિત્રો અને ઉદ્યોગગૃહોએ હવા ભરી લેવી જોઇએ. જો હવા ભરશો તો ફાયદો છે નહીં તો ફેંકાઇ જશો.’

Taken From : Divya Bhaskar.

Thursday, January 6, 2011

વર્તમાન ગુજરાત

ગુજરાત રાજ્યની સ્થાપના 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે કરવામા આવી હતી. હાલ ગુજરાતની રાજ્ધાની ગાંધીનગર છે. સમગ્ર રાજ્યને, વહીવટી સરળતા માટે 25 જીલ્લાઓ, 226 તાલુકાઓ, 18618 ગામો અને 242 શહેરો ત્થા શહેરી વિસ્તારોમા વહેચી શકાય.
ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર 1.96 લાખ ચોરસ કિ.મી. છે, જે ભારતના વિસ્તારના 6.19% જેટલો છે.
ગુજરાતની વસ્તિ હાલમા લગભગ સાડા પાંચ કરોડ છે.
ગુજરાત ઉપરાંત ભારતમા મહારાષ્ટ્ર, અને વિદેશમા અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, અને આફ્રિકા સહિત લગભગ પચાસ લાખ ગુજરાતી ગુજરાત બહાર વસે છે.
ગુજરાત પાસે ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો છે, જે લગભગ 1600 કિ.મી. છે.
ગુજરાતની પ્રજા સાહસિક હોય, મુખ્યત્વે વ્યાપાર અર્થે વિશ્વના ખૂણે-ખૂણે ફેલાયેલી છે.
ભારતભરમા ગુજરાતની વસ્તિ 5%, ભૌગોલિક ભાગ 6%હોવા છતા, ગુજરાતનો ફાળો રાષ્ટ્રીય રોકાણમા 16%, રાષ્ટ્રીય ખર્ચ મા 10%, એક્સ્પોર્ટમા 16% અને સ્ટોક માકેટના માર્કેટ કેપમા 30% નો છે.
ગુજરાતનો રાષ્ટ્રીય વિકાસદર છેલ્લા પાંચ વર્ષમા 12-13% છે જે રાષ્ટ્રીય વિકાસદર 9% થી વધુ છે.
ભારતભરમા સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ ગુજરાતમા આવેલ છે. હાલમા પીપાવાવ અને મુંદ્રા પોર્ટ ધમ-ધમે છે.
ભારતભરમા સૌથી વધુ એરપોર્ટ [11] ગુજરાતમા છે, ઉપરાંત અમદાવાદમા આંતર- રાષ્ટ્રીય એરપોર્ટ આવેલ છે.
વિશ્વભરમા સૌથી મોટી ગ્રાસરુટ રીફાઇનરી જામનગર જીલ્લામા કાર્યરત છે.

ગુજરાતનો આધુનિક યુગ

ઈ. સ. 1857 માં અંગ્રેજ શાસન સામે શરુ થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણ પડયા. ગુજરાતમાં નાંદોલ,દાહોદ,ગોધરા,રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોઈ બળવો વ્‍યાપક બની શકયો. નહીં.
ક્રાંતિ પછી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ફાળો આપ્‍યો. સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ આર્ય સમાજ પ્રસરાવ્‍યો. સ્‍વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ આણી. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ ઘડવામાં સારી સેવા બજાવી. રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ શરુ કરી.
ઈ. સ. 1885 માં સ્‍થપાયેલી કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી ગુજરાતના હતા. ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્‍યામજી કૃષ્‍ણવર્મા, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ પરદેશમાં રહી ભારતની સ્‍વતંત્રતા માટે પ્રયત્‍નો કર્યા. પરંતુ સ્‍વાતંત્ર્યની લડતને નવો જ વળાંક આપનાર ભારતના ભાગ્‍યવિધાતા એવા સપૂત મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્‍મ ઈ. સ. 1869 માં પોરબંદરમાં થયો હતો. ગુજરાતમાં સશસ્‍ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીને મળી હતી. અંબુભાઈએ વ્‍યાયામ પ્રવૃત્તિઓ ઠેરઠેર શરી કરીને સ્‍વરક્ષણની એક નવી જ હવા ઊભી કરી હતી.
ગાંધીજીએ સૌપહેલાં અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્‍થાપ્‍યો. ગાંધીજીથી પ્રભાવિત થઈ સરદાર વલ્‍લભભાઈ વકીલાત છોડીને તેમના કાર્યમાં જોડાયા. પછી મહાદેવભાઈ દેસાઈ પણ જોડાયા. અમદાવાદના મિલ-માલિક શેઠ અંબાલાલ સારાભાઈએ આશ્રમના ખર્ચ માટે સારી એવી મદદ કરેલી. અમદાવાદના મિલમજૂરોના પ્રશ્નોનું પણ ગાંધીજી અને શેઠ અંબાલાલ, તેમના બહેન અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરેની મદદથી સુખદ નિરાકરણ થયું. આ કારણે રાષ્‍ટ્રીય મજદૂર કોંગ્રેસનો જન્‍મ થયો. ભારતનું આ પ્રથમ મજૂર સંચાલન.
ખેડા જિલ્‍લાના ખેડૂતોની મહેસૂલ – ચુકવણી અંગેના પ્રશ્નો અંગે ગાંધીજીની રાહબરી હેઠળ 22 મી માર્ચ, 1918 ના રોજ વિશાળ સંમેલન યોજાયું અને ગુજરાતમાં સત્‍યાગ્રહનો જન્‍મ થયો. આ પ્રસંગે ગુજરાતને ઉત્તમ લોકસેવક રવિશંકર મહારાજ સાંપડ્યા.
ગાંધીજીએ 1917 માં ભરુચનાં ગંગાબહેનને રેટિયો શોધી લાવવા સૂચવ્‍યું. વિજાપુર ગામમાંથી રેંટિયો મળ્યો. પછી શોધ ચાલી પૂણીઓની. આમ, ખાદીનો જન્‍મ થયો.
ઈ. સ. 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના થઈ. ગુજરાતની સત્‍યાગ્રહ લડતોમાં બોરસદ, બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્‍યાગ્રહો ખૂબ મહત્‍વના રહ્યા. આમાં કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્‍વનો ફાળો આપ્‍યો હતો.
12 મી માર્ચ, 1930 ના રોજ સવારે 6.20 કલાકે ‘દાંડીકૂચ‘ સાબરમતી આશ્રમ, અમદાવાદથી શરુ થઈ અને 5 મી એપ્રિલે દાંડી પહોંચીને પૂર્ણ થઈ. 6ઠ્ઠી એ‍પ્રિલે સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને નમકનો કાયદો તોડ્યો.
ગુજરાતે 1942 ના ‍‘હિંદ છોડો‘ આંદોલનને બરાબર ઝીલી લીધું. આઝાદી પછી ભારતની ભૂમિ પર અસંખ્‍ય સ્‍વતંત્ર દેશી રાજ્યોને, કેવળ એક જ વર્ષમાં ભારતમાં સમાવી દેવાની ચાણક્યબુદ્ધિ કેવળ સરદાર જેવા વીરલામાં જ હોઈ શકે.

ગુજરાતનો મધ્‍યકાલીન યુગ

ગુજરાત દિલ્‍લીના સુલતાનોના હાથમાં ગયું. દિલ્‍લીના શાસકો અહીં સૂબાઓ નીમતા. સૂબાઓ જુલમ કરીને પૈસા ઉઘરાવતા. સૂબાઓનું રાજ્ય સોએક વર્ષ ચાલ્‍યું. દિલ્‍લીમાં ગાદી માટે કાવાદાવા ચાલતા હતા ત્‍યારે ગુજરાતના સૂબા ઝફરખાંએ દિલ્‍લીનું આધિપત્‍ય ફગાવી દીધું અને ગુજરાતના પ્રથમ સુલતાન તરીકે મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું. મુઝફ્ફર શાહના ઉત્તરાધિકારી તેમના પૌત્ર અહમદ શાહે ઈ. સ. 1411 માં સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો નાખ્‍યો. અમદાવાદ વસ્‍યું એટલે કર્ણાવતીના લોકો ત્‍યાં આવીને વસ્‍યા. પાટણની વસ્‍તી ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્‍યું. કાંકરિયા તળાવ અહમદ શાહના દીકરા કુતુબુદ્દીને બંધાવ્‍યું. ઈ. સ. 1442 માં અહમદ શાહ મરણ પામ્‍યો. અહમદ શાહનો પૌત્ર મહંમદ શાહ પહેલો ઇતિહાસમાં મહંમદ બેગડા તરીકે પ્રસિદ્ધ થયો. મહંમદ બેગડાએ ચાંપાનેર અને જૂનાગઢ એમ બે ગઢ જીત્‍યા હતા. તેણે વાત્રકને કાંઠે મહેમદાવાદ શહેર વસાવ્‍યું. ત્‍યાં નદીના કાંઠે ભમ્‍મરિયો કૂવો અને ચાંદા – સૂરજનો મહેલ બંધાવ્‍યો. નરસિંહ મહેતા આ સમય દરમિયાન થઈ ગયા. વિખ્‍યાત સંત શાહઆલમની શુભેચ્‍છાઓ અને સલાહ બેગડાને મળ્યાં. મહંમદ બેગડાનો દીકરો સુલતાન મુઝફ્ફર બીજો સંત સુલતાન હતો.
ગુજરાતનો છેલ્‍લો બાદશાહ બહાદુર શાહ હતો. તેણે માળવા જીત્‍યું અને ચિત્તોડ પર ચઢાઈ કરી. ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્‍લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી. હૂમાયુએ ધર્મની બહેનને મદદ મોકલી. બહાદુર શાહ હારીને દીવમાં છુપાયો અને ત્‍યાં જ તેનું મોત થયું. ત્‍યારબાદ ગુજરાત મોગલોના હાથમાં સરી ગયું. અકબરે ગુજરાત જીત્‍યા પછી મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા. જહાંગીરના શાસન દરમિયાન અંગ્રેજોએ હિંદમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. આના પરિણામે ઈ. સ. 1612 માં અંગ્રેજોએ સુરતમાં પહેલ-વહેલી વેપારી કોઠી નાખી. મોગલ સામ્રાજ્યના અંત ભાગમાં મરાઠા સરદારોએ સુરત , ભરુચ અને અમદાવાદ શહેર પર અનેક આક્રમણો કર્યાં. છત્રપતિ શિવાજીએ સુરત પર બે વખત ( ઈ. સ. 1664 અને 1672 માં) આક્રમણ કર્યું. ગુજરાતના બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન થઈ ચૂકયું હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્‍કરી તાકાત પણ વધારતા ગયા અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધું.

ગુજરાતનો પ્રાચીન યુગ

ભગવાન શ્રીકૃષ્‍ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્‍યું તે આધારિત કશી માહિતી પ્રાપ્‍ત નથી. ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્‍ત મૌર્યે ચક્રવર્તીત્‍વનો ધ્‍વજ ફરકાવ્‍યો. ગુજરાત – સૌરાષ્‍ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્‍યાં.ચંદ્રગુપ્‍ત મૌર્યે પુષ્‍યમિત્ર નામના સૂબાની સૌરાષ્‍ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્‍યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.ચંદ્રગુપ્‍તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિ‍માં છે કે જે ગુજરાતી લિપિ‍ અને ભાષાનું પણ ઉગમસ્‍થાન છે. 

ઈસુ સંવત્‍સર પૂર્વેના છેલ્‍લા સૈકામાં આ ભૂમિ પર કોઈ પ્રતાપી શાસન ન હતું તે પહેલાં આ ભૂમિ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઈસુના જન્‍મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનું આધિપત્‍ય રહ્યું. આ શકોના શાસનાધિપતિઓ તે ક્ષત્રપો. શકોએ પોતાનો સંવત્‍સરનો પ્રારંભ ઈ. સ. 78 માં કર્યો. જૂનાગઢ નજીકના શિલાલેખો શક રાજા રુદ્રદમનની યશગાથાના સાક્ષીરુપ લેખો છે. રુદ્રદમન પહેલાએ પોતાના રાજ્યનો વિસ્‍તાર નર્મદાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્‍યો હતો. રુદ્રદમનના શાસનકાળ દરમિયાન વિશાળ સુદર્શન તળાવ ફાટ્યું હતું. 

ઈ. સ. 395 માં ચંદ્રગુપ્‍ત વિક્રમાદિત્‍યે છેલ્‍લા ક્ષત્રપ રુદ્રસિંહને હરાવીને ગુજરાત, સૌરાષ્‍ટ્ર જીતી લીધું. ગુપ્‍તોના સમયમાં પણ રાજધાની ગિરિનગરમાં જ રહી કે જે ગિરનારની તળેટીનું એક નગર હતું. ઈ. સ. 460 માં ગુપ્‍ત સમ્રાટ સ્‍કંદગુપ્‍ત મૃત્‍યુ પામ્‍યો અને તે સાથે ગુપ્‍ત સામ્રાજ્ય છિન્‍નભિન્‍ન થઈ ગયું. 

આ સમયે સૌરાષ્‍ટ્રનો રાજ્યપાલ સેનાપતિ વિજયસેન ભટાર્ક હતો. આ ભટાર્ક મૈત્રક કુળનો હતો. ભટાર્કનું પાટનગર વલભીપુર હતું. તેણે સ્‍વપરાક્રમથી એક મહાન સામ્રાજયની સ્‍થાપના કરી. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ વલભીપુરથી શરુ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્વની સંસ્‍કારભૂમિ બની. ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલભી એ બે મોટી બોદ્ધ વિદ્યાપીઠો હતી. ચીની મુસાફર યુ આન ચાંગ વલભીમાં ઈ. સ. 641 ના અરસામાં આવ્‍યો હતો. ભટાર્કના વંશજોએ વલભી સામ્રાજ્ય પર પૂરાં 275 વર્ષ રાજ્ય કર્યું. શીલાદિત્‍ય સાતમાના સમયમાં સિંધના હાકેમ હિશામે ઈ. સ.? 788 માં વલભી પર હુમલો કર્યો અને લૂંટ અને કત્‍લેઆમ કરીને નગરનો સંપૂર્ણ વિનાશ કર્યો. 

મૈત્રક કાળ દરમિયાન ભિલ્‍લમાલ (દક્ષિ‍ણ રાજસ્‍થાન)ની આસપાસનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘ તરીકે ઓળખાતો હતો. ત્‍યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનર્ત, સૌરાષ્‍ટ્ર અને લાટ (ભરુચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી રાજધાની ભિલ્‍લમાલ કે શ્રીમાલ હતી. 

ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિહારોએ અને દક્ષિ‍ણમાંથી રાષ્‍ટ્રકુટોએ હુમલા શરુ કર્યા. છેવટે વનરાજ ચાવડાના નેતૃત્‍વ હેઠળ ચાવડા વંશે લગભગ એકસો વર્ષ સુ‍ધી સ્થિરતાથી રાજ્ય કર્યું. તેમની રાજધાની અણહિલ્‍લપાટક (અણહિલવાડ) નામે નવા પત્તન (પાટણ)માં સ્‍થપાઈ. ચાવડા વંશનો છેલ્‍લો રાજા સામંતસિંહ નિ:સંતાન હોવાથી મૂળરાજ સોલંકીને દત્તક લેતાં, સોલંકી યુગનો આરંભ થયો. (ઈ. સ. 942). 

મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે ‘ગુર્જરેશ‘ પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘, ‘ગુર્જરરાષ્‍ટ્ર‘ કે ‘ગુજરાત‘ તરીકે ઓળખાયો. પાટણનો વૈભવ એટલો વધ્‍યો કે ઠેરઠેરથી લોકો ત્‍યાં આવીને વસવા લાગ્‍યા. સોલંકી વંશના એક અન્‍ય રાજા ભીમદેવ પહેલા(ભીમદેવ બાણાવળી)ના સમયમાં મેહમૂદ ગઝનવીએ 6 – 7 જાન્‍યુઆરી, 1026 ના રોજ સોમનાથનું મંદિર લૂટ્યું હતું. ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્‍યું. ભીમદેવની રાણી ઉદયમતીએ પાટણમાં સાત મજલાવાળી અદ્દભૂત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી. ભીમદેવે મોઢેરાની ભાગોળે ગઝનવી સાથે થયેલા યુદ્ધની ભૂમિ પર સૂર્યમંદિર બંધાવ્‍યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્‍યો. કર્ણદેવ કચ્‍છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિ‍ણ ગુજરાતનો રાજા બન્‍યો. કર્ણદેવે ‘કર્ણાવતી‘ નગરી વસાવી અને મીનળદેવી સાથે લગ્‍ન કર્યાં.કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહદેવનો શાસનકાળ ( ઈ. સ. 1094 થી 1140 ) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્‍ને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્‍ત કરીને સર્વોપરિતા સ્‍થાપી. પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્રે ‘સિદ્ધહૈમ‘ નામનો વ્‍યાકરણનો મહાગ્રંથ લખ્‍યો. સિદ્ધરાજના મૃત્‍યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધર્મરાજવી ગણાયો. 

સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું, જે પૈકી વીરધવલ અને વિશળદેવનાં નામ ઉલ્‍લેખનીય છે. વીરધવલના બે મંત્રીઓ વસ્‍તુપાળ અને તેજપાળ નામના ભાઈઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુ પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજય પર્વત પર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્‍યાં. વાઘેલાવંશનો છેલ્‍લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ‘કરણ ઘેલો‘ તરીકે ઓળખાયો. ઈ. સ. 1297 માં કરણ ઘેલો દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીને હાથે પરાજ્ય પામ્‍યો અને આ સાથે ગુજરાતમાં હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો.

આ વખણાય મારા ગુજરાતનું

ગુજરાતી મહેમાનગતિ, ગુજરાતનો વેપારી, ગુજરાતી ગરબા, ગુજરાતી ભોજન
અમદાવાદની મકર સંક્રાતિ અને પતંગ દોરા, સિદી સૈયદ ની જાળિ, આઇ.આઇ.એમ,
સુરતનું ઉધીયુ, ઘારી, ખમણ ઢોકળા, દોરા નો માંજો, સુરત નુ જમણ
રાજકોટની ચીકી, પેંડા, ખાખરા અને સ્મશાન,રંગીલી પ્રજા
જામનગરની બાંધણી, કચોરી, તાળા,આંજણ.
કચ્છની કળા કાળિગીરી, ખુમારી
મોરબીના તળીયા [ટાઇલ્સ], નળીયા અને ધડીયાલ
વડોદરાની ભાખરવડી અને નવરાત્રિ.
વીરપુરના જલારામ બાપા
ભરુચની ખારી શિંગ અને લોકમાતા નર્મદા નદી.
દ્વારકાના દ્વારકાધીશ અને સોમનાથના મહાદેવ
ભાવનગરના ગાંડા, ગટર અને ગાંઠિયા
મોઢેરાનુ સુર્યમંદિર
પાલનપુરના હીરા-વેપારીઓ
સોરઠનો સાવજ ,કેસર કેરી અને અડીખમ ગિરનાર
કાઠીયાવાડી ડાયરો અને થાનના શહાબુદીન રાઠોડ
…અને છેલ્લે
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતની સાડા પાંચ
કરોડની જનતા !!