Tuesday, January 11, 2011

ગુજરાતે આંધી-પવનનો પમ્પ ચલાવ્યો છે,હવા ભરી લો: મોદી

 
- પાંચમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટનો ઇસ્યુ કાઢી નંખાયો છે
- હિન્દુસ્તાન જ નહીં વિશ્વમાં ગુજરાત બ્રાન્ડ ઉભી થઇ છે: નરેન્દ્ર મોદી
- ઉદ્યોગ પ્રતિનિધિઓની ઉપસ્થિતિ વચ્ચે મેગા એકઝીબશિનનું ઉદ્દધાટન
- વિવાદથી મુક્ત બનીને પહેલીવાર ૧૯ રાજ્યો ગુજરાતના ભાગીદાર બન્યા
- મહાત્મા મંદિર દેશના રાજ્યોના વિકાસને જોડતું પ્લેટફોર્મ બનશે

પાંચમી વાયબ્રન્ટ સમિટથી ગુજરાત એ સમગ્ર દેશ અને તેના રાજ્યોના વિકાસને જોડતું મજબૂત પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ વ્યકત કરી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વખતની સમિટમાં મૂડીરોકાણનો ધ્યેય રાખ્યો નથી પરંતું વિવિધ રાજ્યોને એક નવી તક પુરી પાડવાનો આ પ્રયાસ છે. મને એ વાતની ખુશી છે કે ૧૯ રાજ્યો વિવાદને બાજુએ રાખીને ડેવલપમેન્ટની દિશામાં સહભાગી બન્યા છે.

કેનેડાના હાઇકમિશનર સ્ટીવર્ટ બેક ઉપરાંત દેશના ટોચના ઉદ્યોગપતિઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં ઉભા કરવામાં આવેલા ગ્લોબલ મેગા એકઝીબશિનનું સોમવારે સાંજે ભવ્ય ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું. ૩૩૦૦૦ ચોરસફુટમાં ફેલાયેલા પ્રદર્શન કક્ષમાં ૧૬ દેશો અને ૧૯ રાજ્યોના પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા છે. કુલ ૩૦૦ સ્ટોલ અને થીમ પેવેલીયન દ્વારા ૧૮ ક્ષેત્રોમાં રોકાણ અને વિકાસની તકો રજુ કરવામાં આવશે.

ઉદ્દધાટન સમારોહમાં મોદીએ પ્રવચનમાં કહ્યું હતું કે ગુજરાતે ૨૦૦૩માં વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કર્યો ત્યારે માત્ર ૪૦ વિદેશી મિત્રો આવ્યા હતા પરંતું તે પછીની ચાર સમિટમાં અમે નવતર પ્રયોગો કરતા રહ્યાં છીએ. મહાત્મા મંદિરે પ્રથમવાર આ વખતે મેગા એકઝીબશિનમાં ૪૫ દેશોની અધ્યતન ટેકનોલોજીનો નાના-મોટા ઉદ્યોગકારો અને યુવા જનરેશનને લાભ મળશે. સીંગલ વિન્ડો ઇન્ફર્મેશન, કોન્ટેકટ અને નોલેજ મેળવી શકાશે.

ગુજરાત દેશની કોઇપણ શક્તિ માટેનું પ્લેટફોર્મ છે અને મહાત્મા મંદિર તેનું નિમિત્ત બન્યું છે. આ પહેલી સમિટ એવી છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટનો ઇસ્યુ કાઢી નાંખવામાં આવ્યો છે. યજમાન ગુજરાત માટે આ અવસર વિકાસ માટેનો છે જેમાં રાજ્યોને જોડવાનું કામ કર્યું છે. વિવાદમાં આવ્યા વિના જે રાજ્યો ગુજરાતમાં આવ્યા છે તેમને અભિનંદન આપતાં મોદીએ કહ્યું હતું કે આ સમિટમા ઉપસ્થિત રહેલા કોઇ ઉદ્યોગપતિ સાથે બિહાર, ઓરિસ્સા કે છત્તીસગઢ જેવા મહેમાન રાજ્યો પણ સમજુતી કરાર કરી શકશે. આખરે લાભ તો હિન્દુસ્તાનને થવાનો છે.

મોદીએ વાયબ્રન્ટ સમિટનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે ૧૨ અને ૧૩ જાન્યુઆરી દરમ્યાન નવનિર્મિત મહાત્મા મંદિરના આ પરિસરમાં રાષ્ટ્રીય સ્વાભિમાન વધે તે રીતે વિશ્વના દેશો અને રાજ્યો વચ્ચે બિઝનેસ સંવાદો થશે. નોલેજ અને ટેકનોલોજીની આપ-લે થશે. હિન્દુસ્તાન સાચા અર્થમાં તેની ગ્લોબલ ઇમેજને સાકાર કરી વિકાસની મહાસત્તા બનીને ઉભરી આવશે.

પ્રદર્શનના ઉદ્દધાટન પ્રસંગે મહેમાનોને આવકાર આપતાં રાજ્યના ચીફ સેક્રેટરી એ.કે.જોતિએ કહ્યું હતું કે આ મેગા એકઝીબશિનમાં ૧૬ દેશોની ટેકનોલોજીના નોલેજનો દેશને લાભ મળશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની વઝિનરી લીડરશીપથી કલીન ગુજરાત ગ્રીન ગુજરાતનો મંત્ર આપ્યો છે તેને સાચા અર્થમાં સાર્થક બનાવાશે.

આ પ્રસંગે નાણામંત્રી વજુભાઇ વાળા, ઉદ્યોગ રાજ્યમંત્રી સૌરભ પટેલ, ઉદ્યોગ અગ્રસચિવ મહેશ્વર શાહુ, સ્ટલીંગ ગ્રુપના નિતીન સાંડેસરા, એસ્સારના પ્રશાંત રૂઇયા, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, ટોરન્ટના સુધીર મહેતા, રિલાયન્સના પરિમલ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસની આંધી ચાલી છે પમ્પથી હવા ભરી લો: મોદી

‘આંધી ચાલે કે ભારે પવન આવે પણ સાયકલની ટ્યૂબ હાથમાં લઇને ઉભો રહેલો વ્યક્તિ સીધી હવા ભરી શકતો નથી. તેના માટે પમ્પ જોઇએ. ગુજરાતે આંધી-પવનનો પમ્પ ચલાવ્યો છે વેપારી મિત્રો અને ઉદ્યોગગૃહોએ હવા ભરી લેવી જોઇએ. જો હવા ભરશો તો ફાયદો છે નહીં તો ફેંકાઇ જશો.’

Taken From : Divya Bhaskar.

No comments:

Post a Comment