Thursday, January 6, 2011

ગુજરાતનો આધુનિક યુગ

ઈ. સ. 1857 માં અંગ્રેજ શાસન સામે શરુ થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણ પડયા. ગુજરાતમાં નાંદોલ,દાહોદ,ગોધરા,રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોઈ બળવો વ્‍યાપક બની શકયો. નહીં.
ક્રાંતિ પછી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ફાળો આપ્‍યો. સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ આર્ય સમાજ પ્રસરાવ્‍યો. સ્‍વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ આણી. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ ઘડવામાં સારી સેવા બજાવી. રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ શરુ કરી.
ઈ. સ. 1885 માં સ્‍થપાયેલી કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી ગુજરાતના હતા. ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્‍યામજી કૃષ્‍ણવર્મા, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ પરદેશમાં રહી ભારતની સ્‍વતંત્રતા માટે પ્રયત્‍નો કર્યા. પરંતુ સ્‍વાતંત્ર્યની લડતને નવો જ વળાંક આપનાર ભારતના ભાગ્‍યવિધાતા એવા સપૂત મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્‍મ ઈ. સ. 1869 માં પોરબંદરમાં થયો હતો. ગુજરાતમાં સશસ્‍ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીને મળી હતી. અંબુભાઈએ વ્‍યાયામ પ્રવૃત્તિઓ ઠેરઠેર શરી કરીને સ્‍વરક્ષણની એક નવી જ હવા ઊભી કરી હતી.
ગાંધીજીએ સૌપહેલાં અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્‍થાપ્‍યો. ગાંધીજીથી પ્રભાવિત થઈ સરદાર વલ્‍લભભાઈ વકીલાત છોડીને તેમના કાર્યમાં જોડાયા. પછી મહાદેવભાઈ દેસાઈ પણ જોડાયા. અમદાવાદના મિલ-માલિક શેઠ અંબાલાલ સારાભાઈએ આશ્રમના ખર્ચ માટે સારી એવી મદદ કરેલી. અમદાવાદના મિલમજૂરોના પ્રશ્નોનું પણ ગાંધીજી અને શેઠ અંબાલાલ, તેમના બહેન અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરેની મદદથી સુખદ નિરાકરણ થયું. આ કારણે રાષ્‍ટ્રીય મજદૂર કોંગ્રેસનો જન્‍મ થયો. ભારતનું આ પ્રથમ મજૂર સંચાલન.
ખેડા જિલ્‍લાના ખેડૂતોની મહેસૂલ – ચુકવણી અંગેના પ્રશ્નો અંગે ગાંધીજીની રાહબરી હેઠળ 22 મી માર્ચ, 1918 ના રોજ વિશાળ સંમેલન યોજાયું અને ગુજરાતમાં સત્‍યાગ્રહનો જન્‍મ થયો. આ પ્રસંગે ગુજરાતને ઉત્તમ લોકસેવક રવિશંકર મહારાજ સાંપડ્યા.
ગાંધીજીએ 1917 માં ભરુચનાં ગંગાબહેનને રેટિયો શોધી લાવવા સૂચવ્‍યું. વિજાપુર ગામમાંથી રેંટિયો મળ્યો. પછી શોધ ચાલી પૂણીઓની. આમ, ખાદીનો જન્‍મ થયો.
ઈ. સ. 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના થઈ. ગુજરાતની સત્‍યાગ્રહ લડતોમાં બોરસદ, બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્‍યાગ્રહો ખૂબ મહત્‍વના રહ્યા. આમાં કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્‍વનો ફાળો આપ્‍યો હતો.
12 મી માર્ચ, 1930 ના રોજ સવારે 6.20 કલાકે ‘દાંડીકૂચ‘ સાબરમતી આશ્રમ, અમદાવાદથી શરુ થઈ અને 5 મી એપ્રિલે દાંડી પહોંચીને પૂર્ણ થઈ. 6ઠ્ઠી એ‍પ્રિલે સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને નમકનો કાયદો તોડ્યો.
ગુજરાતે 1942 ના ‍‘હિંદ છોડો‘ આંદોલનને બરાબર ઝીલી લીધું. આઝાદી પછી ભારતની ભૂમિ પર અસંખ્‍ય સ્‍વતંત્ર દેશી રાજ્યોને, કેવળ એક જ વર્ષમાં ભારતમાં સમાવી દેવાની ચાણક્યબુદ્ધિ કેવળ સરદાર જેવા વીરલામાં જ હોઈ શકે.

No comments:

Post a Comment